ધોરાજીના માર્કેટ યાર્ડમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ધોરાજીના માર્કેટ યાર્ડમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજકોટ તા. ૦૭ માર્ચ – નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પોરબંદર–જેતપુર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ (ડુમિયાણી ટોલ પ્લાઝા)ના સંયુક્ત ઉપક્રમે ૫૪મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગત તા. ૦૬ માર્ચ, ૨૦૨૫ના રોજ ધોરાજીના માર્કેટ યાર્ડમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ ડ્રાઇવરોને સલામત ડ્રાઇવિંગ પ્રથાઓ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો હતો.
આ સત્ર દરમિયાન અધિકારીઓએ માર્ગ શિસ્ત, ગતિ વ્યવસ્થાપન, સીટ બેલ્ટનો ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો અને નશામાં વાહન ચલાવવાના જોખમો પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે એચ.એસ.ઇ. મેનેજરશ્રી રામ કંતને માર્ગ સલામતી પહેલને પ્રોત્સાહન આપવા અને ડ્રાઇવરો ટ્રાફિક નિયમો વિશે માહિતગાર છે, તેની ખાતરી કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. વ્યવહારુ પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ ચર્ચાઓથી આશરે ૬૦થી ૮૦ ડ્રાઇવરોને માર્ગ સલામતીના મહત્વપૂર્ણ પાસાઓ સમજવામાં મદદ મળી હતી.
આ કાર્યક્રમમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કેતનભાઈ ખપેડ, ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી રવિભાઈ ગોધામે, ટ્રાફિક પી.એસ. આઇ.શ્રી હર્ષદભાઈ જાની, ટ્રાફિક નિષ્ણાત (નિવૃત્ત આર.ટી.ઓ.)શ્રી જયેશભાઈ શાહ, પ્રોજેક્ટ હેડશ્રી અજયસિંહ ઠાકોર અને મેનેજરશ્રી સંજયસિંહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.