
*ધોરાજી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો*
૫૧૫ લાભાર્થીઓ પૈકી ૧૧૫ લાભાર્થીઓને રૂ .૧૭ લાખથી વધુના સાધન સહાય અપાશે
રાજકોટ તા.૨૨ જાન્યુઆરી-
સરકારી હોસ્પિટલ, ધોરાજી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી સ્લીપ એક્ટીવીટી, e-kyc, આવકના દાખલા, સરકારશ્રી તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતનો સ્ટોલ, આયુષ્માન ભારતનો સ્ટોલ, યુ.ડી.આઈ.ડી. કાર્ડ કાઢવાનો સ્ટોલ, ENT સ્ટોલ, મેન્ટલ હેલ્થ સ્ટોલ, આભા કાર્ડ સ્ટોલ, ઉંમરના દાખલાનો સ્ટોલ વગેરે સ્ટોલમાં ૫૧૫ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી સેવાનો લાભ અપાયો હતો.
નાયબ કલેકટરશ્રી એન.એમ.તરખાલાએ સમગ્ર કેમ્પનું સુચારૂ રૂપે આયોજનની કામગીરી કરી હતી. મામલતદારશ્રી આર. કે. પંચાલની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ, ડો. પુનિત વાછાણીની આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ, અધિક્ષકશ્રી ડો. જયેશ વસેટીયન અને ડો.આર.સી.બેરા, ઇન્ચાર્જ અધિક્ષકશ્રીની આગેવાનીમાં પેટા જીલ્લા હોસ્પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.આર.ઠુંમર, સમાજ કલ્યાણ વિભાગની ટીમ અને શ્રીમતી પ્રાર્થના સેરસીયા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમજ પી.જી.વી.સી.એલ. નાં અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ૦૮ ડોક્ટર તથા અંદાજિત ૧૪૦ જેટલા કમર્ચારીઓ સહિતના સ્ટાફએ ફરજ નિભાવી હતી.
આ કાર્યક્રમમાં ધોરાજી તાલુકા વિસ્તારના ૫૧૫ જેટલા લાભાર્થીઓએ અલગ અલગ પ્રકારની સેવાઓનો લાભ લીધો હતો. એલીમ્કો દ્વારા ૧૧૫ લાભાર્થીઓને એસેસમેન્ટ કરી આશરે ૧૭,૮૧,૪૭૯/- રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે તેમજ યુ.ડી.આઈ.ડી. કાર્ડના ૧૨૩ લાભાર્થી ( ૫૭ જુના અને ૬૬ નવા ) ઓએ પણ આ કેમ્પમાં લાભ લીધો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.કે.વસ્તાણી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓનો કાર્યક્રમ સફળતાપુર્વક યોજાયો હતો.